પારડી ટોલનાકા પાસે LCB પોલીસનો ધડાકો, 8904 બોટલ/ટીન જપ્ત


વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB પોલીસ)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મોટી સફળતા હાંસલ કરી છે. LCB પોલીસ દ્વારા મહારાષ્ટ્રથી વડોદરા તરફ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. કુલ ₹26,23,272/-ના મુદામાલ સાથે કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ LCB પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પારડીના બગવાડા ટોલનાકા નજીક મુંબઈ-સુરત હાઇવે પર LCB પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
ચેકિંગ દરમ્યાન MH-04-LQ-7208 નંબરનો આઇશર બંધબોડી ટેમ્પો અટકાવવામાં આવ્યો હતો. તપાસ કરતા ટેમ્પામાંથી વિદેશી દારૂ (વિસ્કી, વોડકા, બિયર)ના કુલ 248 બોક્સ મળી આવ્યા હતા, જેમાં 8904 બોટલ/ટીન (2515.920 લીટર)નો જથ્થો હતો, જેની કિંમત ₹16,18,272/- આંકવામાં આવી છે.
LCB પોલીસે ટેમ્પો (₹10 લાખ), મોબાઇલ ફોન (₹5 હજાર) અને દારૂ સહિત કુલ ₹26,23,272/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટેમ્પો ચાલક મોહમદ પરવેઝ (ઉ.વ.27, રહે. સુલતાનપુર, ઉત્તર પ્રદેશ)ને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો હતો. આ કેસમાં આઝાદ ઇલિયાસ નામનો શખ્સ વોન્ટેડ છે, જે ટેમ્પો ડ્રાઇવિંગ માટે આરોપીને મોકલનાર હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પારડી પોલીસ સ્ટેશન ખાતે LCB પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કાર્યકારી ટીમ (LCB પોલીસ)
આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી. પરમાર, ASI વિજય પાટીલ તેમજ પોલીસ સ્ટાફના સંજયસિંહ ચાવડા, તેજપાલસિંહ સિસોદીયા અને હિતેશભાઈ ચાવડા દ્વારા ટીમવર્કથી પાર પાડવામાં આવી હતી.

Leave a Reply