વાપી G.I.D.C માં ચૂંટણી પહેલાં કરાયેલ રોડ કામ પર સવાલો, સ્થાનિકોમાં રોષ

વાપી/શુભમ રાય

વાપી GIDC વિસ્તારમાં ગુંજનથી રેમન્ડ સર્કલ વચ્ચે આવેલ જૈન આદિનાથ મંદિર સામેનો માર્ગ, જે દીપકીરણ સોસાયટી પાસેથી પસાર થઈ હાઈવે સર્વિસ રોડને જોડે છે, ત્યાં ચૂંટણી પહેલાં તાત્કાલિક ધોરણે કરાયેલા રોડ કાર્પેટ કામને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટમાં રોડ કામની ગુણવત્તા અને તંત્રની બેદરકારી અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

પોસ્ટ મુજબ રોડ પર ડામર પાથરતા પહેલાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નહોતી તેમજ ડામરનો જરૂરી છંટકાવ પણ કરાયો નહોતો. રોડ પર નાખવામાં આવેલી કપચી, રેતી અને ડસ્ટ લાંબા સમયથી યથાવત હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનો ખતરો ઉભો થયો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોના કહેવા મુજબ રોજ સ્કૂટર અને બાઈક સ્લીપ થવાના બનાવો સામે આવી રહ્યા છે.

આ ઉપરાંત રોડ પર બનાવાયેલા બમ્પર ઉપર હજુ સુધી રિફ્લેક્ટર કે સફેદ પટ્ટા ન મુકાતા રાત્રિના સમયે અકસ્માતની શક્યતા વધી રહી છે. અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરાઈ હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનું પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સ્થાનિકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે VIP વિસ્તારોની નજીક જ જો આવા ઉતાવળમાં અને નીચી ગુણવત્તાના કામ થાય, તો જવાબદારી કોની? ચોમાસામાં રોડ ફરી ખરાબ હાલતમાં પહોંચશે તેવી પણ ભીતિ વ્યક્ત થઈ રહી છે.

જાહેર હિતને ધ્યાનમાં રાખી સ્થાનિકોએ તાત્કાલિક રોડ પરથી રેતી અને ડસ્ટ દૂર કરવા, બમ્પર પર રિફ્લેક્ટર લગાવવા તેમજ સમગ્ર રોડ કામની ગુણવત્તાની તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *