વલસાડ જિલ્લામાં મજૂરોની વિગતો પોલીસમાં જમા કરાવવી ફરજિયાત – ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી


વલસાડ જિલ્લામાં કામ કરતા તમામ બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, ઔદ્યોગિક એકમો, હોટલો તેમજ વિવિધ મજૂરી આધારિત એકમોના માલિકોને પોતાના ત્યાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા (IAS) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, અનેક વખત ગુનાહિત કૃત્યો પછી આરોપીઓની ઓળખ અને શોધખોળમાં મુશ્કેલી ઉભી થાય છે, કારણ કે માલિકો અથવા ઠેકેદારો પાસે કામદારોની પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. આવા સંજોગોમાં કેટલાક લોકો નકસલી અથવા આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની સંભાવના પણ નકારી શકાય તેમ નથી.

આથી, તમામ સંસ્થાઓએ પોતાના મજૂરો/કર્મચારીઓની મૂળ વતન, હાલનું સરનામું, ઓળખ પુરાવા, અગાઉનો ગુનાહિત ઇતિહાસ અને તાજા ફોટોગ્રાફ સહિતની વિગતો “પત્રક-એ” મુજબ તૈયાર કરી આ જાહેરનામાની તારીખથી ૧૫ દિવસની અંદર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. સાથે જ, તમામ કર્મચારીઓ ભારતીય નાગરિક છે કે કેમ તેની ખાતરી પણ કરવી ફરજિયાત રહેશે.

માલિકોએ નોંધાયેલા તમામ કર્મચારીઓનું રજીસ્ટર પણ જાળવવું પડશે અને પોલીસ દ્વારા માંગણી થતાં તરત માહિતી પૂરી પાડવી રહેશે. જિલ્લામાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ આદેશનો અમલ તા. ૧ જૂન ૨૦૨૬ સુધી રહેશે. સરકારી અને અર્ધસરકારી કચેરીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસના સબ ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરના અધિકારીઓને કાર્યવાહી માટે સત્તા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *